સ્થળાંતરિત થયેલા લોકો સાથે મંત્રીશ્રીએ વાતચીત કરી તેમના કોઈ અગવડ નથી ને તેવી પૃચ્છા કરી
બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આજરોજ તેમણે મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલ લોકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી બાબતો અંગે જિલ્લાના અધિકારીઓને સૂચના આપી હતી. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલા લોકો સાથે મંત્રીશ્રીએ વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આ લોકો સાથે વાતચીત કરતા મંત્રીaએ તેઓ ક્યાંના છે, શું કામગીરી કરે છે, અહીં આશ્રયસ્થાન ખાતે તેમને શું-શું સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેમને કોઈ તકલીફ નથી તે બાબતે પણ મંત્રીશ્રીએ તેમની સાથે વાતચીત કરી ખાતરી કરી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી કવિતા દવે, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, માળિયા મામલતદાર બી.જે. પંડ્યા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, બાબુભાઈ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.