*પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો, તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો*
ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવુ તેમજ વારવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો.
પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુરતા પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. પશુઓના રહેઠાણનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકો, અથવા સફેદ રંગથી રંગો. પશુ રહેઠાણમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો, વધુ ગરમી હોય તેવા સંજોગોમાં પશુઓ ઉપર પાણીનો છંટકાવ કરો અથવા પશુઓને પૂરતું પાણી મળી રહે તેની વ્યવસ્થા કરો. આહારમાં પશુઓને લીલો ચારો વધુ માત્રામાં આપો. પૌષ્ટિક, સુપાચ્ય અને સંતુલિત આહાર આપો. પશુ આહારમાં ખનીજદ્ર્વ્ય (મિનરલ મિક્ષ્ચર)નો સમાવેશ કરો. સવાર અને સાંજના સમયે જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવવા લઈ જાઓ. મરઘા ઉછેર કેંદ્રમાં પડદા લગાવો અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.