મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન જળ સંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના વિવિધ પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ વાંકાનેર જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ આવેલા ગામડાઓની વિગત મેળવી જે ગામોમાં પાણીનો પ્રશ્ન છે ત્યાં શું ક્ષતિ રહેલી છે તે જાણી ક્ષતિ નિવારવાની કામગીરી કરવા તેમજ ત્યાં સુધી પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ પાણીની ચોરી અટકાવવા અને ગેરકાયદેસર જોડાણ ધ્યાનમાં આવે તો તેને તાત્કાલિક ધોરણે કાપવા પણ જણાવ્યું હતું. જ્યાં પાણી પહોંચતું નથી તેવા ગામોમાં એજન્સીઓ દ્વારા ટેન્કર શરૂ કરાવી એજન્સીઓને નોટિસ આપવા પણ મંત્રીએ ભાર પૂર્વક સૂચના આપી હતી.