ટંકારા તાલુકા વિસ્તારમાં જી.ઇ.બી.ના થાંભલાઓ પરથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વાયર ચોરી કરતી ગેંગના એક આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસે વણશોધાયેલ બે અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તા. 27/02/2026ના રોજ સાવડી ગામની સીમમાં અરણેશ્વર ફીડરના 16 વીજ થાંભલાઓ પરથી આશરે 1800 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. તે ઉપરાંત મિતાણા, હીરાપર અને સરાયા ગામોની સીમ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળેથી કુલ 7240 મીટર એલ્યુમિનિયમ વાયર અજાણ્યા શખ્સો દ્વારા કાપી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવતા બે અલગ ગુનાઓ નોંધાયા હતા.
પોલીસ સ્ટાફ છતર-વાછકપર રોડ પર નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં બોલેરો મેકસી (નંબર GJ-03-BW-3157) દેખાતા તેને રોકી તપાસ કરવામાં આવી. વાહનની તપાસ દરમિયાન તેમાં એલ્યુમિનિયમ વાયરના ગૂંચવાડા મળી આવ્યા. ચાલક પાસે માલ અંગે કોઈ આધાર પુરાવા કે બિલ ન મળતા તેની કડક પૂછપરછ કરવામાં આવી.
પૂછપરછ દરમ્યાન આરોપીએ સાવડી ગામની સીમમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી હતી. રીમાન્ડ મેળવી વધુ તપાસ કરતાં મિતાણા, હીરાપર અને સરાયા ગામોની સીમમાંથી જી.ઇ.બી.ના થાંભલાઓના ચાલુ-બંધ વાયર કાપી ચોરી કર્યાની કબૂલાત પણ આપી હતી. ચોરી કરેલો વાયર ભઠ્ઠીમાં સળગાવી ઢાળીયા બનાવી છતર-રાજકોટ હાઈવે પર આવેલા ભંગારના ડેલામાં સંતાડ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીની નિશાનદેહી પર એલ્યુમિનિયમના ઢાળીયા તથા અન્ય મુદામાલ કબજે કર્યો હતો. બંને ગુનાઓ મળી કુલ ₹9,29,750નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ પુરાવા મેળવવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી:
(1) કિશન મોહનલાલ ગુર્જર (ઉ.વ. 26) રહે. ડીડવાના, તા. આમેટ, જી. રાજસમંદ (રાજસ્થાન)
પકડવાના બાકી આરોપીઓ:
(1) કિશન આશારામ ગુર્જર રહે. પીથા કા ખેરા ગામ, તા. દેવગઢ, જી. રાજસમંદ (રાજસ્થાન)
(2) કૈલાશસિંહ ઉર્ફે જીવરાજસિંહ રાવત રહે. હાલ ટંકારા, મૂળ બ્યાવર (રાજસ્થાન)
(3) શ્રવણસિંહ રહે. રાજસ્થાન
કબ્જે કરેલ મુદામાલ:
એલ્યુમિનિયમ વાયર વજન આશરે 465 કિ.ગ્રા. – કિંમત ₹1,96,000
એલ્યુમિનિયમના ઢાળીયા તથા વાયર કુલ 925 કિ.ગ્રા. – કિંમત ₹3,23,750
મોબાઇલ ફોન (1 નંગ) – કિંમત ₹10,000
બોલેરો મેકસી વાહન – કિંમત ₹4,00,000
કુલ મુદામાલ કિંમત: ₹9,29,750
પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.





