Friday, March 13, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો: ૨.૧૮ કરોડનો મુદામાલ કબજે

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને મોરબી SP મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી LCBની તાબડતોબ કાર્યવાહી

મોરબી એલ.સી.બી. અને વાંકાનેર પોલીસની સંયુક્ત કામગીરીમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામે રોડ પરથી એક બંધ બોડીના ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ. ૨,૧૮,૫૫,૫૬૦/-ના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી.ને ખાનગી બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહેલી RJ 14 GP-4506 નંબરની બંધ બોડી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરેલો છે. આ બાતમીના આધારે એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ, વાંકાનેર તાલુકા પોલીસ અને વાંકાનેર ડિવિઝન કચેરીના અધિકારીઓએ સંયુક્ત વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન સંદિગ્ધ ટ્રક રોકી તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપી
પોલીસે ટ્રક ડ્રાઈવર લલીતકુમાર સ/ઓ પ્રતાપજી રત્નાજી ખરાડી (ઉંમર ૨૮), રહે. જાયરાગામ તા. ખેરવાડા, જી. ઉદયપુર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો છે. જ્યારે માલ મોકલનાર, માલ મંગાવનાર સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલ મુદામાલ
પોલીસે અશોક લેલેન્ડની બંધ બોડી ટ્રક (કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦), અલગ અલગ બ્રાન્ડની ૨૮,૫૮૪ દારૂની બોટલો (રૂ. ૧,૮૬,૫૦,૪૦૦), કિંગફિશર બિયરના ૩,૧૬૮ ટીન (રૂ. ૬,૯૬,૯૬૦), મોબાઇલ ફોન તેમજ બિલ્ટી, ઇ-વે બિલ, ઇન્વોઇસ સહિતના દસ્તાવેજો મળી કુલ રૂ. ૨,૧૮,૫૫,૫૬૦નો મુદામાલ કબજે કર્યો છે.

દારૂ ઘુસાડવાની આરોપીની ખાસ પદ્ધતિ
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટ્રકમાં ફૂડ સોર્સ જેવી વસ્તુઓ ભરેલી હોવાનું દર્શાવતી ખોટી બિલ્ટી, ઇ-વે બિલ અને ઇન્વોઇસ તૈયાર કરતા હતા. આ દસ્તાવેજોની આડમાં પંજાબ રાજ્યમાંથી ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો લાવી હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર ચેકિંગ દરમિયાન ખોટી બિલ્ટી બતાવી અધિકારીઓને ગેરમાર્ગે દોરી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો.

કાર્યવાહી કરનાર પોલીસ ટીમ
આ કામગીરી એલ.સી.બી. મોરબીના પી.આઈ. એમ.પી. પંડયા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ, વાંકાનેર તાલુકા પોલીસના પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા તથા વાંકાનેર ડિવિઝન કચેરીના સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW