મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો દબદબો, મહાનગરપાલિકાથી જિલ્લા પંચાયત સુધી કમળ ખીલ્યું
(અહેવાલ : મયંક દેવમુરારી)
મોરબી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સમગ્ર જિલ્લામાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને રાજકીય દબદબો સાબિત કર્યો છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવી તમામ 52 બેઠકો કબજે કરી વિરોધીઓનો સંપૂર્ણ સફાયો કર્યો છે.
જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી છે. જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ભાજપના વિજયથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
તાલુકા પંચાયતોમાં પણ ભાજપ આગળ જિલ્લાની પાંચ તાલુકા પંચાયતોમાં ભાજપે ચાર તાલુકામાં બહુમતી મેળવી મજબૂત પ્રદર્શન કર્યું છે. માળીયા તાલુકા પંચાયતમાં 16માંથી 11, ટંકારામાં 16માંથી 11, મોરબી તાલુકામાં 22માંથી 18 અને હળવદમાં 20માંથી 15 બેઠકો ભાજપે જીતતા દબદબો જાળવી રાખ્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 15 બેઠકો સાથે સરસાઈ મેળવી છે.
નગરપાલિકાઓમાં પણ ભગવો લહેરાયો ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. વાંકાનેર નગરપાલિકામાં 28માંથી 21 બેઠકો અને ટંકારા નગરપાલિકામાં 24માંથી 18 બેઠકો ભાજપે જીતી છે. જ્યારે માળીયા મિયાણા નગરપાલિકામાં કોંગ્રેસે 17 બેઠકો સાથે બહુમતી મેળવી છે.
સમગ્ર જિલ્લામાં ભાજપનો દમદાર દેખાવ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાના પરિણામો જોતા સમગ્ર મોરબી જિલ્લામાં ભાજપે સર્વાંગી પ્રદર્શન કર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકામાં તમામ 52 બેઠકો જીતવી ભાજપ માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાઈ રહી છે.
ચૂંટણી પરિણામો બાદ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા રાજકારણમાં આ પરિણામોને ભાજપ માટે મોટા જનસમર્થન તરીકે જોવામાં આવી રહ્યા છે.




