મોરબી : આકાશમાંથી વરસી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને થોડી રાહત મળે અને બાળમાનસ પર ખુશીની છાપ ઉભી થાય તેવા ઉમદા હેતુથી ‘નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો અને માસૂમ બાળકોને આઈસ્ક્રીમ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં પડી રહેલી આકરા ઉનાળાની ગરમીના કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ખાસ કરીને નાના બાળકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમને ગરમીમાં થોડી ઠંડકનો અહેસાસ કરાવવા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. આઈસ્ક્રીમ કેન્ડી મળતા જ બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.
આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ સેવાકાર્યમાં સંસ્થાના સ્થાપક રોહન રાંકજા, આરતી રોહન, શિવમ અને વિશ્વા વાઘડિયા તેમજ ભક્તિ અને દ્વીરા મારવણીયાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના હાથે ઝૂંપડપટ્ટીના રહીશો તથા બાળકોને આઈસ્ક્રીમ કેન્ડીનું વિતરણ કર્યું હતું.
સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીઓ અને બાળકોના જીવનમાં નાની એવી ખુશી લાવવી એ જ ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય છે. ગરમીના સમયમાં બાળકોના ચહેરા પર દેખાતો નિર્દોષ આનંદ જ તેમના માટે સૌથી મોટો સંતોષ છે.
નિર્શિવ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા અનેક સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યો દ્વારા લોકોની સેવા માટે સતત કાર્યરત રહેશે.




