મોરબી: ચોમાસાની ઋતુને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને નાગરિકોને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીને વધુ વેગ આપ્યો છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સીધો શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યો હતો અને સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા અર્પિતાબા જાડેજા તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સંગીતાબેન રૈયાણી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
નિરીક્ષણ દરમિયાન શહેરના નદી-નાળા, ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગો તેમજ સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પદાધિકારીઓએ સ્થળ પર જ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી હાથ ધરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોની સુવિધા અને સુરક્ષા મહાનગરપાલિકાની પ્રથમ પ્રાથમિકતા છે. ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવા, ગંદકી અથવા અન્ય કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને પદાધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં.
આ વ્યાપક નિરીક્ષણ બાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં કામગીરીને લઈને વધુ દોડધામ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં શહેરભરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ચોમાસા દરમિયાન મોરબીના નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.




