મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અભિયાન, હોસ્પિટલ અને પેટ્રોલ પંપના 25 કર્મચારીઓને તાલીમ અપાઈ
મોરબી, તા. 17 : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 09/06/2026 થી 16/06/2026 દરમિયાન ફાયર સેફ્ટી અને ફાયર પ્રિવેન્શન અંગે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરની 02 હોસ્પિટલના 17 સ્ટાફ સભ્યો તથા 01 પેટ્રોલ પંપના 08 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અને અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે શહેરની સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને વિવિધ ઉદ્યોગોની ઇમારતોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર NOC ન ધરાવતી ઇમારતોને નોટિસ પાઠવી જરૂરી માર્ગદર્શન અને ગાઈડલાઈન આપવામાં આવી હતી.
અગાઉ આપવામાં આવેલી નોટિસોના પરિણામે શહેરના 198 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અથવા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ આ સમયગાળા દરમિયાન ફાયર સેફ્ટી અપ્રુવલ માટે મળેલી 08 અરજીઓ આર.એફ.ઓ. કચેરી ખાતે મોકલવામાં આવી છે.
મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ તાલીમ અને પ્રિવેન્શન અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવાનો, અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો તેમજ ઇમરજન્સી સમયે સમયસર મદદ મેળવી જાનમાલનું નુકસાન અટકાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં 02 રેસ્ક્યુ કોલ તેમજ 07 આગ લાગવાના બનાવો નોંધાયા હતા. તમામ બનાવોમાં ફાયર વિભાગના જવાનોએ આધુનિક સાધનો અને PPE કિટ સાથે ફાયર ફાઈટિંગ કામગીરી કરી હતી.
કોઈપણ આગ અથવા અન્ય ઇમરજન્સી સમયે નાગરિકો મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ફોન નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરી શકે છે.





