મોરબી: મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જુલાઈ 2026 સુધીમાં શહેરના જાહેર માર્ગો પરથી કુલ 3,502 રખડતા પશુઓ પકડીને મોરબી જિલ્લાની આસપાસ આવેલી વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં મોકલવામાં આવ્યા છે.
મનપા દ્વારા પશુપાલન વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે 33 લોકોને ઘાસ વેચાણ માટે પરમિટ ફાળવવામાં આવી છે. ઉપરાંત શહેરના 49 પેટ ડોગનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મનપાની ANCD શાખાએ અત્યાર સુધીમાં કુલ 2,920 પશુઓનું RFID ટેગિંગ અને રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે. આગામી સમયમાં પણ આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગ ધરાવતા નાગરિકોને પણ પોતાના પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે, જેથી શહેરમાં પશુઓનું યોગ્ય સંચાલન થઈ શકે અને જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યામાં ઘટાડો થાય.


