જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે આશ્રયવિહોણા પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમો એનાયત કરાયા
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ દરેક પરિવારને રૂ. ૧,૭૦,૦૦૦ ની સહાય માટે તંત્ર દ્વારા સ્થળ પર જ ફોર્મ તૈયાર કરાયા
સરકારના છેવાડાના અને વંચિત પરિવારોને પોતાના ઘરનું ઘર આપવાના ભગીરથ કાર્ય અન્વયે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટંકારા તાલુકાના મીતાણા ગામે આશરે ૪૦ થી ૪૫ વર્ષ જેટલા લાંબા સમયથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિના કુલ ૧૦ આશ્રયવિહોણા પરિવારોને મીતાણા સરકારી ખરાબા નંબર-૭૨૯ પૈકી પ્લોટ ફાળવણીના સત્તાવાર હુકમો અને સનદ જિલ્લા કલેક્ટરશ સ્વપ્નિલ ખરેના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
લાભાર્થી પરિવારો પોતાના પ્લોટ પર પાકા મકાનનું નિર્માણ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિયતા દાખવીને તમામ ૧૦ પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સાંકળી લેવામાં આવે તે અન્વયે પ્રત્યેક પરિવારને પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે મળવાપાત્ર રૂ. ૧,૭૦,૦૦૦ ની આર્થિક સહાય સત્વરે મળી રહે તે હેતુથી તમામ પરિવારોના આવાસ સહાય મેળવવાના ફોર્મ અને સરકારી અરજીઓ પણ તંત્ર દ્વારા સ્થળ પર જ તૈયાર કરી દેવામાં આવી હતી.
આ સનદ વિતરણ અવસરે મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત અને ટંકારા મામલતદાર ગોર સહિતના વહીવટી અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.


