મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આજે વોર્ડ નં. 4 અને વોર્ડ નં. 6માં “વિઝિબલ ક્લીનલિનેસ” અંતર્ગત વિશેષ સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ માનનીય ડેપ્યુટી મેયરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
નિરીક્ષણ દરમિયાન વોર્ડના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ, જાહેર સ્થળો, ખુલ્લા પ્લોટ, કચરા સંગ્રહ સ્થળો, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી, જાહેર શૌચાલયો તેમજ ગટર અને ડ્રેનેજની સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.
જે સ્થળોએ સફાઈ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત જણાઈ હતી ત્યાં સંબંધિત અધિકારીઓ, સેનિટરી ઇન્સ્પેક્ટર, સેનિટરી સબ ઇન્સ્પેક્ટર તથા સફાઈ એજન્સીને તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે, કચરાનો સમયસર ઉપાડ થાય, જાહેર સ્થળોએ કચરો ન ફેલાય તેમજ નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્વચ્છતા સંબંધિત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયરએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા સફાઈ એજન્સીને જવાબદારીપૂર્વક કામગીરી કરવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં નિયમિત રીતે “વિઝિબલ ક્લીનલિનેસ” નિરીક્ષણ કરવામાં આવશે અને સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


