હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ; મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતી

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રધ્વજના ગૌરવ સાથે મોરબી બન્યું તિરંગામય; નગરજનો યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે મોરબી ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, શાળાના બાળકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

વંદે માતરમ્ ના સમૂહ ગાન કરી લીલી ઝંડી બતાવી યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને ઉત્સાહભેર જોડાયેલા નાગરિકોના કારણે યાત્રાના સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’ સહિતના દેશભક્તિના નારાઓથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. તિરંગો લહેરાવતા બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોની ઉપસ્થિતિએ યાત્રાને વિશેષ બનાવી હતી.

તિરંગા યાત્રાના રૂટ પર નગરજનો દ્વારા પણ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ લોકો યાત્રાને નિહાળવા માટે ઉમટ્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવી યાત્રાનું અભિવાદન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવના ઉજાગર કરતી વિવિધ વેશભૂષા તથા પ્રસ્તુતિઓ યાત્રાનું વિશેષ આકર્ષણ બની હતી.

યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન જાળવી સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ યાત્રા માત્ર રાષ્ટ્રધ્વજ સાથે ચાલવાની યાત્રા ન બની રહેતાં મોરબીની જનશક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બની હતી. ‘તિરંગો અમારું ગૌરવ, તિરંગો અમારું સ્વાભિમાન’ની ભાવના સાથે મોરબીવાસીઓએ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની અતૂટ લાગણી વ્યક્ત કરી હતી.

તિરંગા યાત્રામાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ, વિવિધ શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તેમજ મોરબીના નગરજનોની ઉત્સાહભેર ભાગીદારી રહી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW