મોરબી: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) તેમજ મિલેટ (શ્રીઅન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાના સેજા અને ઘટક કક્ષાના આયોજન માટે સૂચના આપવામાં આવી છે.
જે અંતર્ગત આજે આઈ.સી.ડી.એસ. મોરબી ઘટક-૨ના ભરતનગર સેજા હેઠળ ભરતનગર ગામ ખાતે સેજા કક્ષાનો “પોષણ ઉત્સવ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા પૂર્વિબેન, મંત્રી વિમલભાઈ, બ્રહ્માકુમારી સંસ્થાના દીદી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHW અને FHW, ગ્રામજનો તેમજ સેજાની તમામ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન પૌષ્ટિક આહાર અને મિલેટ આધારિત વાનગીઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ઉપસ્થિત વાલીઓને આરોગ્ય અને પોષણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ખાતે જન્માષ્ટમી તથા રક્ષાબંધન પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં બાળકો, વાલીઓ, આંગણવાડી કાર્યકરો અને ગ્રામજનોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી.


