મોરબી : મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા તથા સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશ્રય ગૃહના આશ્રિતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ UCD શાખા સાથે સંકલન કરીને મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહનું સંચાલન કરવામાં આવે છે.
આશ્રય ગૃહમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોને આશ્રય, ભોજન, ચા-નાસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. આશ્રિતોને ઘર જેવું વાતાવરણ મળી રહે તે હેતુથી વિવિધ તહેવારોની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.
તા. 28 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી રક્ષાબંધન ઉજવણીમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લાના સક્રિય કાર્યકર જીતુભાઈ સોમૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, આશ્રય ગૃહમાં આશ્રિતો માટે પ્રાથમિક અને પાયાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે આશ્રિતોએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી સંકુલને સ્વચ્છ અને સુઘડ રાખવામાં સહકાર આપવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન જેવા તહેવારોની ઉજવણીથી આશ્રિતોમાં પરસ્પર ભાઈચારો, લાગણી અને પારિવારિક ભાવના વધુ મજબૂત બને છે.
બંને મહાનુભાવોએ આશ્રિતોના અભિપ્રાયો જાણ્યા હતા તેમજ મહાનગરપાલિકા તરફથી જરૂરી સહકાર અને મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
રક્ષાબંધન પ્રસંગે આશ્રિત ભાઈઓને રાખડી બાંધવાની શરૂઆત થતાં જ વાતાવરણ ભાવુક બની ગયું હતું. કેટલાક આશ્રિતોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માત્ર આશ્રય અને ભોજન જ નહીં, પરંતુ પરિવારની લાગણી અને હૂંફ મળી રહી હોવાનો ભાવ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનું સ્વાગત અને પ્રાસંગિક વક્તવ્ય આશ્રય ગૃહના મેનેજર પરેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ સિનિયર કેરટેકર અસ્મિતાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રક્ષાબંધનની આ ઉજવણીમાં આશ્રય ગૃહના મોટી સંખ્યામાં આશ્રિતો ઉપસ્થિત રહ્યા હતા.


