એન્ટી નાર્કોટીક્સ વિંગની કાર્યવાહી, રૂ. ૭૦,૯૨૦નો મુદ્દામાલ કબજે
મોરબી: મોરબી જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોના ગેરકાયદે ખરીદ-વેચાણ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીની એન્ટી નાર્કોટીક્સ વિંગે નવલખી રોડ પર આવેલા કુબેરનગર-૩ વિસ્તારમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન સહિત કુલ રૂ. ૭૦,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ (કચ્છ) તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવનને અટકાવવા માટે “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને એન્ટી નાર્કોટીક્સ વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ખરાડી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમના પોલીસ કર્મચારીઓને તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સંયુક્ત બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે, રેનીશભાઈ હિરાભાઈ પરેશા નામનો યુવક પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.
બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે જણાવેલી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન રોયલ પાર્ક, કુબેરનગર-૩, નવલખી રોડ, મોરબી ખાતે રહેતા અને મજૂરીકામ કરતા ૨૭ વર્ષીય રેનીશભાઈ હિરાભાઈ પરેશા પાસેથી માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ૨૦.૧૪ ગ્રામ મેફેડ્રોન, એક મોબાઇલ ફોન અને એક ઇલેક્ટ્રોનિક વજનકાંટો કબજે કર્યો હતો. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૭૦,૯૨૦ હોવાનું જણાવાયું છે.
આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે કેસ સોંપ્યો છે.
મોરબી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની આ કાર્યવાહીથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. યુવાધનને નશાથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



