ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને શ્રમિકોને પેન્શન સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
પીએફઆરડીએ અને લીડ બેંક – એસબીઆઇ દ્વારા આયોજિત સેમિનારમાં ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન તેમજ વિશેષ તાલીમ સત્ર યોજાયું
પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા લીડ બેંક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – મોરબી દ્વારા મોરબીની ધ ફર્ન રેસીડેન્સી ખાતે ‘એનપીએસ સંચય આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬ જિલ્લાઓમાં યોજાનાર આ વિશેષ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની પસંદગી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), ગ્રામ્ય ઉદ્યોગકારો, નાના વ્યવસાયકારો, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને એનપીએસ – રાષ્ટ્રીય પેન્શન યોજના સાથે જોડી નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી આ સેમિનાર યોજાયો હતો.
મોરબી ખાતે યોજાયેલા NPS સંચય આઉટરીચ કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના ડીજીએમ વીણાબેન શાહે જણાવ્યું હતું કે ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ૨૦૪૭’ હેઠળ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચાડવા, વીમા લાભાર્થીઓ વધારવા અને મહિલા સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશની યોજનાઓ મહત્વની છે, જેમાં મોરબી રાજ્યના ૬ જિલ્લાઓમાં પોતાની અલગ ઓળખ સાથે આગળ વધી રહ્યો છે.
કાર્યક્રમમાં મોરબીના નાબાર્ડના ડીડીએમ આદિત્ય નિકમે એસએચજી મહિલાઓ અને સહકારી મંડળીઓની ભૂમિકા તથા ગ્રામીણ-કૃષિ કલ્યાણ યોજનાઓ, બેંક ઓફ બરોડાના એજીએમ અવિનાશ કુમારે એનપીએસસંચય અને એમએસએમઇ માટે સુરક્ષા કવચ તથા નાની બચત, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એફઆઈ મેનેજરશ્રી અશોક કુમારે જનધન, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, ડિજિટલ KYC અને નિષ્ક્રિય ખાતા શરૂ કરવા તેમજ બેંક ઓફ બરોડાના એજીએમશ્રી મનીષ માકરીયાએ એનપીએસ સંચયમાં જોડાવાની પાત્રતા અને રોકાણ અંગે માર્ગદર્શન આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પેન્શન ફંડ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી આવેલા ટ્રેઈનર શુભમ ખંડેલવાલ અને ટ્રેઈનર ઋત્વિક ભાવસાર દ્વારા એનપીએસ સંચય યોજના વિશે વિસ્તૃત માહિતી આપતા આ યોજના હેઠળ કેટલા લોકોએ નોંધણી કરાવી છે, તેમાંથી કેટલી આવક થાય છે, ક્યાં રોકાણ કરવામાં આવે છે વગેરે વિશે છણાવટ કરવામાં આવી હતી અને લોકોની મૂંઝવણ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મોરબી લીડ બેંક મેનેજર નરેશ કુમારે કર્યું હતું, જ્યારે આભારવિધિ રાજકોટ લીડ બેંક મેનેજરશ્રી પવન કુમારે કરી હતી.
આ કાર્યક્રમમાં એનપીએસ સંચય યોજનાની વિશેષતાઓ, નિયમિત બચત, પેન્શન આયોજન અને નોંધણી પ્રક્રિયા અંગે સવિસ્તર માહિતી આપવામાં આવી હતી તેમજ લાભાર્થીઓ માટે સ્થળ પર જ ‘ઓન-ધ-સ્પોટ રજિસ્ટ્રેશન’ ની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પેન્શન યોજનાની પહોંચ વધારવા માટે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ તથા કોમન સર્વિસ સેન્ટરના વિલેજ લેવલ એન્ટ્રપ્રિન્યોર્સ માટે વિશેષ તાલીમ સત્ર યોજાયું હતું.
આ કાર્યક્રમમાં બેંકિંગ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ, તથા મહિલાઓ, સહકારી મંડળીના સભ્યો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







