મોરબી શહેરમાં છરીના ધાકે લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડવામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે લૂંટમાં ગયેલું મોટરસાયકલ, રોકડા રૂપિયા તેમજ ગુનામાં વપરાયેલી છરી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભુરારામ નરશીરામ ચૌધરી (રહે. યમુનાનગર-૨, ન્યુ શ્રદ્ધાપાર્ક, નવલખી રોડ, મોરબી, મૂળ વતન જેરાતરા, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં બે શખ્સોએ લિફ્ટ માંગીને ફરિયાદીને અંધારી ગલીમાં લઈ જઈ છરી બતાવી તેમનું હોન્ડા સાઇન મોટરસાયકલ અને રૂ. ૧૫,૦૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝન જે.એમ. આલ અને પીઆઈ વાય.બી. જાડેજાની સૂચના મુજબ ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આરોપી કુલદીપસિંગ ઉર્ફે કાલી ધવલસિંગ ખીચી ઉર્ફે સરદારજી (ઉ.વ. ૨૬, રહે. ડિલક્સ પાન પાસે, રણછોડનગર, લાયન્સનગર, મોરબી)ને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલું હોન્ડા સાઇન મોટરસાયકલ નં. GJ-03-EQ-3881, રોકડા રૂ. ૧૦,૦૦૦ તથા ગુનામાં વપરાયેલી છરી કબજે કરી છે. જ્યારે અન્ય આરોપી દેવાસિંગ ભરતસિંગ સરદારજી (રહે. લાયન્સનગર, મોરબી) ફરાર હોય તેની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.




