મનોવિજ્ઞાનના આસી.પ્રોફેસર & ડો.શિલ્પા સિદપરાએ આપ્યો ‘ડિજિટલ ડિટોક્સ’નો મંત્ર
આજના સમયમાં યુવાનો બહારથી આત્મવિશ્વાસુ અને સ્માર્ટ દેખાતા હોવા છતાં અંદરથી ભારે માનસિક દબાણ અનુભવી રહ્યા છે. મનોવિજ્ઞાનના આસી.પ્રોફેસર શિલ્પા સિદપરાના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર દેખાતી ચમકધમક અને સફળતાની દોડ યુવાનોમાં સતત સરખામણીની ભાવના ઊભી કરી રહી છે. જેના કારણે એન્ઝાયટી અને ડિપ્રેશનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
તેઓએ જણાવ્યું કે આજની પેઢી ‘ઇન્સ્ટન્ટ કલ્ચર’માં જીવી રહી છે, જ્યાં દરેક વસ્તુ ઝડપથી મેળવવાની આદત પડી ગઈ છે.. પરિણામે નિષ્ફળતા, રાહ જોવી કે અસ્વીકાર સહન કરવાની ક્ષમતા ઘટી રહી છે. કરિયર, પૈસા અને દેખાવને લઈને વધતું દબાણ યુવાનોને અંદરથી તોડી રહ્યું છે..
સોશિયલ મીડિયા પર હજારો કોન્ટેક્ટ્સ હોવા છતાં સાચા સંવાદ અને લાગણીસભર સંબંધો ઘટી રહ્યા છે. મોબાઈલ અને રીલ્સની દુનિયામાં લોકો ડિજિટલી જોડાયેલા છે, પરંતુ ભાવનાત્મક રીતે એકલા પડી રહ્યા છે. ખાસ કરીને બાળકોમાં મોબાઈલ એડિક્શન ઊંઘ, એકાગ્રતા અને માનસિક વિકાસ પર ગંભીર અસર કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું..
ડો. શિલ્પા સિદપરાએ વાલીઓને સંદેશ આપતા કહ્યું કે બાળકો અને યુવાનોને માત્ર ડિગ્રી નહીં પરંતુ માનસિક મજબૂતી અને જીવન જીવવાની સમજ આપવાની જરૂર છે.. પરિવાર સાથે સમય વિતાવવો, ખુલ્લો સંવાદ રાખવો અને ‘ડિજિટલ ડિટોક્સ’ અપનાવવો આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયો છે…




