(અહેવાલ : મયંક દેવમુરારી)
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની શ્રી ટીંબડી પ્રાથમિક શાળા, ખાતે મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ(ભા.વ.સે.)ના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ યોજાયો હતો.
આ અવસરે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલકુમાર બેરવાલે જણાવ્યું હતું કે, ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રત્યેક બાળક શિક્ષિત અને જવાબદાર નાગરિક બને તે અનિવાર્ય છે. તે માટે ભણતર અને ગણતર બંને જરૂરી છે.તે માટે દરેક બાળકોને શાળામાં નિયમિત આવવા ટકોર કરી હતી તેઓ બાળકોની શિસ્ત, શાળાનું વાતાવરણ, સ્વચ્છતા અને કાર્યક્રમનું આયોજન નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આ પ્રગતિના મહોત્સવમાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું વહાલભેર સ્વાગત કરી શાળા પ્રવેશ કરાવાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે નવપ્રવેશી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી તારલાઓનું વિશેષ બહુમાન કરાયું હતું. શાળાના બાળકોએ પણ આ પ્રસંગે પોતાના સુંદર વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ટીંબડીના સરપંચશ્રી જ્યોત્સનાબેન વડસોલા, ઉપ સરપંચશ્રી આરતીબા રાઠોડ,ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, એસ.એમ.સી.સભ્યશ્રીઓ,ગામના અગ્રણી રમેશભાઈ વડસોલા નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન)શ્રી કલ્પેશભાઈ બુસા, સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી રાજેશભાઈ ઘોડાસરા, ચેતનભાઈ જાકાસણીયા,અને શિરીષ રાંકજાસર,તેમજ શાળામાં યોગદાન આપનાર દાતાઓ, શિક્ષકો, વાલીઓ, આંગણવાડીના બહેનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું,શાળાના આચાર્ય કૈલાસભાઈ સાવરિયા દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું,કાર્યક્રમને અંતે કમલેશભાઈ દલસાણિયા દ્વારા આભારદર્શન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો,કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારનો ખૂબ જ સહકાર રહ્યો હતો.


