મોરબીમાં વરસાદી પાણીના કુદરતી નિકાલ પર થયેલા દબાણો દૂર કરવાની મુખ્યમંત્રીને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરમાં વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો (વોકળાઓ) પર થયેલા દબાણો દૂર કરી શહેરમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન, ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાને કારણે રસ્તાઓ તૂટી જાય છે, ગટર વ્યવસ્થા ખોરવાય છે અને ગંદુ પાણી રોડ પર ફરી વળતા રોગચાળાનો પણ ભય રહે છે. ઉપરાંત સરકાર દ્વારા ટેક્સના નાણાંથી બનાવવામાં આવેલા રસ્તાઓને નુકસાન થતાં ફરીથી જાહેર નાણાં ખર્ચીને સમારકામ કરવાની ફરજ પડે છે.

રજૂઆતમાં જણાવાયું છે કે શહેરમાં વરસાદી પાણીના કુદરતી નિકાલ માટે અગાઉ રહેલા અનેક વોકળાઓ હાલ બુરાઈ ગયા છે અથવા તેના પર દબાણ થઈ ગયાં છે. જેના કારણે વરસાદી પાણીનો પ્રવાહ અવરોધાય છે અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ રહે છે.

રજૂઆતમાં ઉમિયા સર્કલ–હાઉસિંગ બોર્ડ–નવા બસસ્ટેશનથી રામચોક, હીરાસરીથી એવન્યુ પાર્ક, રવાપર ગામથી નરસંગ ટેકરી થઈ એવન્યુ પાર્ક, એસ.પી. રોડથી વિજયનગર થઈ વજેપર, રામચોકથી વાઘપર થઈ મચ્છુ નદી, સાવસર પ્લોટથી માધાપર થઈ નવી રેલ્વે કોલોની, શનાળા ગામ અને સથવારા વાડી વિસ્તારનો ધુતારીનો વોકળો તેમજ પોલીસ લાઈન–લખધીરવાસ–નગર દરવાજો થઈ મચ્છુ નદી સુધીના વોકળાઓ સહિત વી.સી.પરા, મહેન્દ્રનગર અને ત્રાજપર સહિતના વિસ્તારોમાં થયેલા દબાણો દૂર કરી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.

રજૂઆતની નકલ મોરબી જિલ્લા કલેક્ટર તથા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પણ મોકલવામાં આવી છે. સાથે જ રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો આ મુદ્દે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW