ચાર મહિનાથી વણઉકેલાયેલા હત્યા કેસનો મોરબી LCBએ ભેદ ઉકેલ્યો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : મયંક દેવમુરારી)

સમથેરવા ગામની સીમમાંથી મળેલી અજાણ્યા પુરૂષની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મામલે છ આરોપીઓ ઝડપાયા, રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી: વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આશરે ચાર મહિના પહેલા મળી આવેલી અજાણ્યા પુરૂષની હત્યા કરાયેલી લાશના ચકચારી બનાવનો મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ક્વોડે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ વણશોધાયેલા હત્યા કેસમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડી રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સમથેરવા ગામની સીમમાંથી મળી હતી અજાણ્યા પુરૂષની લાશ

તા. 08 એપ્રિલ 2026ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સમથેરવા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં એક અજાણ્યા પુરૂષની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પુરૂષની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. 0323/2026 હેઠળ BNSની કલમ 103(1), 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મરણ જનારની ઓળખ પણ થઈ શકી નહોતી અને હત્યાનો ગુનો લાંબા સમયથી વણશોધાયેલ રહ્યો હતો.

LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હત્યાનો ભેદ ઉકેલવા મોરબી LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

તપાસ દરમિયાન બનાવ સ્થળની મુલાકાત લઈ આસપાસના CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. શંકાસ્પદ વાહનોની અવરજવર અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. બનાવ સ્થળની આસપાસ રહેતા લોકો તેમજ કારખાનામાં કામ કરતા મજૂરોને મરણ જનારના ફોટા બતાવી ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આસપાસના કારખાના, હોટલ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. મરણ જનારના ફોટા સોશિયલ મીડિયા મારફતે પ્રસિદ્ધ કરી તેની ઓળખ મેળવવા માટે પણ પ્રયાસો હાથ ધરાયા હતા.

હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માધ્યમથી મળ્યો મહત્વનો સુરાગ

મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા તથા LCB/પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમો બનાવના સમયથી સતત તપાસમાં લાગી હતી. હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ માધ્યમથી મળેલી માહિતીના આધારે પોલીસને આ હત્યા કેસમાં છ શકમંદ વ્યક્તિઓ અંગે મહત્વની માહિતી મળી હતી.

તમામ શકમંદોને મોરબી LCB કચેરી ખાતે લાવી અલગ-અલગ ટીમો દ્વારા ઝીણવટભરી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓએ બનાવમાં પોતાની સંડોવણી અંગે કબૂલાત કરી હતી.

આ આધારે પોલીસે વણશોધાયેલા હત્યા કેસમાં સંડોવાયેલા કુલ છ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.

આ રીતે હત્યાને આપ્યો અંજામ

પોલીસ તપાસ મુજબ મરણ જનાર અજાણ્યો પુરૂષ દિવસના સમયે આરોપી સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયાના રહેણાંક મકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યો હતો.

તે સમયે સંદીપભાઈ પોતાના ઘરે હાજર હતો. મરણ જનારને ચેક કરતાં તેના ખિસ્સામાંથી આરોપીની કાર તથા એક્ટિવાની ચાવીઓ મળી આવતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી.

ત્યારબાદ આરોપીએ પોતાના ડ્રાઇવર રાજેશભાઈ રમેશભાઈ ડાભીને બોલાવી મરણ જનારને પોતાની ઇનોવા કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેને માથક નજીક આવેલા પોતાના સોલાર ફાર્મમાં લઈ જવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ સોલાર ફાર્મમાં કામ કરતા પોતાના માણસો સાથે મળી મરણ જનારને PVC પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ફરીથી ઇનોવા કારમાં નાખી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલા ખરાબાની ઝાડી-ઝાંખરાવાળી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ફેંકી દેવામાં આવ્યો હતો.

આ રીતે ગંભીર પ્રકારની હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મરણ જનારની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

છ આરોપીઓ ઝડપાયા

પોલીસે આ કેસમાં નીચે મુજબના છ આરોપીઓને ઝડપી પાડ્યા છે:

1. સંદીપભાઈ ધનજીભાઈ ઝાલરીયા, રહે. ઉમીયાનગર, ઉમીયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી.

2. એલીસભાઈ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા, રહે. લુટાવદર, તા.જી. મોરબી.

3. દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ઝાલરીયા, રહે. લુટાવદર, તા.જી. મોરબી.

4. મુન્નો ઉર્ફે વરૂણ રૈયાભાઈ ગોલતર, રહે. રફાળેશ્વર, તા.જી. મોરબી.

5. રાજેશભાઈ રમેશભાઈ ડાભી, રહે. ભડીયાદ, તા.જી. મોરબી.

6. રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવ, રહે. રસુલપુર, તા. અમનોર, જી. છપરા, બિહાર.

રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે

આરોપીઓ પાસેથી પોલીસે એક ઇનોવા કાર નંબર GJ-36-L-9881, કિંમત આશરે રૂ.10 લાખ, તેમજ 8 મોબાઇલ ફોન, કિંમત આશરે રૂ.1.10 લાખ, મળી કુલ રૂ.11.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

LCB ટીમની મહેનતથી ચાર મહિનાના કેસનો ભેદ ઉકેલાયો

આ સમગ્ર કાર્યવાહી મોરબી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.ડી. ભટ્ટ, પેરોલ-ફર્લો સ્ક્વોડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.જી. માલાણી તથા LCB, પેરોલ-ફર્લો સ્ક્વોડ અને ટેક્નિકલ સેલના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

ચાર મહિનાથી વણઉકેલાયેલા અને ચર્ચાસ્પદ બનેલા આ હત્યા કેસનો ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડવામાં મોરબી LCB તથા પેરોલ-ફર્લો ટીમને સફળતા મળી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW