માળીયામિંયાણાના ખાખરેચી ગામ ૧૫મી ઓગસ્ટ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના ખાખરેચી ગામે ચાર શાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી – તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

માળીયા તાલુકાના ખાખરેચી ગામે શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, કન્યા પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા અને મિશ્ર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ખાખરેચી ગામનાં સરપંચશ્રી વનિતાબેન દિનેશભાઈ પારજીયા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમના વરદ હસ્તે પરેડ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉપસરપંચ શ્રી મેહુલભાઈ મેવાડા, તાલુકા પંચાયત સદસ્ય શોભાબેન વિરમભાઈ સંખેસરીયા, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ મુનાભાઈ પરમાર, ભાવેશભાઈ લાંઘણોજા, રમેશભાઈ ઉચાસણા તથા તલાટી-કમ-મંત્રી અશોકભાઈ ફોક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ચારેય શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

શ્રી સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સ્વાતંત્ર્ય પર્વના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ઝાંસીની રાણી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે વિદ્યાર્થીઓને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો તથા વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપી હતી.

આચાર્યશ્રીએ શાળાના શૈક્ષણિક અને ભૌતિક વિકાસમાં સહયોગ આપવા બદલ ખાખરેચી ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ તેમજ શાળાને અવારનવાર મદદરૂપ બનતા દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ‘વિકસિત ભારત’ વિષય પર વક્તવ્ય, દેશભક્તિ ગીતો પર અભિનય તથા પિરામિડ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને ઉત્સાહભરી રજૂઆતથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતને બિરદાવી તેમને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ધોરણ ૯થી ૧૨માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ખાખરેચી ગ્રામ પંચાયત દ્વારા રોકડ પુરસ્કાર, સરપંચશ્રી વનિતાબેન દિનેશભાઈ પારજીયા તરફથી શિલ્ડ, શાળા પરિવાર તરફથી સ્મૃતિભેટ તેમજ નિવૃત્ત શિક્ષક ભુદરભાઈ હુલાણી અને પિયુશભાઈ પારજીયા તરફથી રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી તેજસ્વી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને અર્થસભર સંચાલન હાઈસ્કૂલના શિક્ષક કિશનભાઈ પટેલે કર્યું હતું. અંતે મિશ્ર પ્રાથમિક શાળાના આચાર્ય મિલનભાઈ કાવરે ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો, વાલીઓ, દાતાશ્રીઓ તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની નિયમિતતા, શિસ્ત અને અભ્યાસમાં મહેનત માટે વાલીઓને સતત સહકાર આપવા અપીલ કરી હતી.

અંતે ઉપસ્થિત સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રાષ્ટ્રપ્રેમ, એકતા અને ઉત્સાહના માહોલ વચ્ચે ઉજવાયેલો ૮૦મો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સૌના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW