CEIR પોર્ટલની મદદથી રૂ. 10.38 લાખથી વધુ કિંમતના 38 ખોવાયેલા મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત કરાયા
મોરબી તાલુકા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. CEIR પોર્ટલનો ઉપયોગ કરી કુલ 38 જેટલા ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આશરે રૂ. 10,38,800/-ની કિંમતના આ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલ સાહેબ દ્વારા પ્રજાકલ્યાણ અને પ્રજાલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના સુપરવિઝન હેઠળ ખોવાયેલા તથા ચોરાયેલા મોબાઇલ ફોન શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અનિરૂધ્ધસિંહ દ્વારા CEIR પોર્ટલમાં ખોવાયેલા મોબાઇલ ફોનની એન્ટ્રી કરી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ વર્કઆઉટ તેમજ સર્વેલન્સ સ્ટાફની મહેનતના પરિણામે કુલ 38 મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી.
શોધી કાઢવામાં આવેલા તમામ મોબાઇલ ફોન આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે તેમના અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસે ખોવાયેલી મિલકત પરત અપાવી “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરી પ્રજામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.


