જામનગરમાં વ્યાજખોરી, ખંડણી અને જમીન હડપવાના પ્રકરણોમાં SITની રચના

Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજકોટ રેન્જ પોલીસનું મોટું પગલું: અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામેના ગુનાઓની તપાસ માટે વિશેષ ટીમ બનાવાઈ

ભોગ બનનારને આગળ આવવા પોલીસની અપીલ, મદદનીશ પોલીસ અધિક્ષકના મોબાઇલ નંબર પર ફરિયાદ કરી શકાશે

જામનગર, તા. 22 ઓક્ટોબર, 2026: જામનગર જિલ્લામાં વ્યાજખોરી, ખંડણી, છેતરપિંડી અને સાટાખત-બાનાખતના આધારે જમીનો હડપવાના કથિત પ્રકરણોમાં તપાસને વધુ અસરકારક બનાવવા રાજકોટ રેન્જ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા અને તેના સાગરીતો સામે રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર તથા જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને સંબંધિત અરજીઓની નિષ્પક્ષ, ઝીણવટભરી અને સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અલ્પેશ દોંગા અને તેના સાગરીતો દ્વારા ખેડૂતો તથા સામાન્ય નાગરિકોને કથિત રીતે વ્યાજખોરીના ચુંગલમાં ફસાવવા, ખંડણીની માંગણી કરવા, છેતરપિંડી આચરવા તેમજ સાટાખત અને બાનાખત લખાવી જમીનો હડપવા અંગેની ફરિયાદો નોંધાઈ છે. આ ઉપરાંત, આ પ્રકરણોને લગતી વિવિધ અરજીઓની તપાસ પણ ચાલી રહી છે.

છ સભ્યોની SITની રચના

આ પ્રકરણોની તપાસમાં સંકલન જળવાઈ રહે અને તમામ ગુનાઓ તથા અરજીઓની તપાસમાં ઝડપ આવે તે માટે છ પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.

SITમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા, લાલપુર વિભાગને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા, જામનગર શહેર વિભાગને અધ્યક્ષને મદદરૂપ થવાની જવાબદારી આપવામાં આવી છે.

આ ઉપરાંત, એલસીબી જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયા, પંચ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને રાજકોટ વિભાગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલનો SITમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

તમામ ગુનાઓ અને અરજીઓની તપાસ SIT કરશે

SITના અધ્યક્ષ દ્વારા અલ્પેશ દોંગા અને તેના સાગરીતો વિરુદ્ધ જામનગર જિલ્લામાં નોંધાયેલા તમામ ગુનાઓની તપાસ ટીમના સભ્યોને સોંપવામાં આવશે. આરોપીઓ વિરુદ્ધ જામનગર જિલ્લામાં મળેલી તમામ અરજીઓ પણ SITને તપાસ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મળેલી જામનગર જિલ્લા સંબંધિત અરજીઓ મેળવીને પણ SITને સોંપવામાં આવશે.

તપાસની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે માટે તમામ ગુનાઓ અને અરજીઓની પ્રગતિનો અહેવાલ દર સોમવારે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરીમાં મોકલવાનો રહેશે. SIT દ્વારા ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયાનું નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવશે.

ભોગ બનનારને પોલીસની અપીલ

અલ્પેશ ગોપાલભાઈ દોંગા અને તેના સાગરીતો દ્વારા વ્યાજખોરી, ખંડણી, છેતરપિંડી અથવા સાટાખત-બાનાખત લખાવી જમીન હડપવાના કથિત પ્રકરણોમાં જો કોઈ વ્યક્તિ ભોગ બની હોય, તો તેને નિર્ભય બની પોતાની ફરિયાદ રજૂ કરવા રાજકોટ રેન્જ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભોગ બનનાર વ્યક્તિઓ મદદનીશ પોલીસ અધિક્ષક, લાલપુર વિભાગના મોબાઇલ નંબર 9213000437 પર સંપર્ક કરી શકે છે અથવા નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, રાજકોટ રેન્જનો સંપર્ક કરીને પોતાની રજૂઆત કરી શકે છે.

આ SITની રચનાથી સંબંધિત પ્રકરણોની તપાસમાં સંકલન વધશે અને ફરિયાદોની નિષ્પક્ષ તપાસને વેગ મળશે તેવી પોલીસ તંત્રની અપેક્ષા છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW