કલેક્ટરના માર્ગદર્શનમાં iORA પોર્ટલ મારફતે કામગીરીને મળી વેગ
*શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી પુરવઠા અને સુરક્ષા સહિતના મહત્વના વિભાગોને માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે ફાળવાઈ જમીન*
મોરબી જિલ્લામાં સરકારી વિભાગો અને કચેરીઓની માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને લોકહિતના પ્રકલ્પોને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા iORA પોર્ટલ પર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વિવિધ સરકારી વિભાગોને તેમની જરૂરિયાત અનુસાર કુલ ૩૮ જમીન ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા છે.
ફાળવવામાં આવેલા આ જમીન હુકમોમાં શિક્ષણ અને બાળકલ્યાણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ૮, આઈસીડીએસને ૪ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને ૩ હુકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ વ્યવસ્થા માટે પીજીવીસીએલને ૧ અને જેટકોને ૧૦ તથા પાણી પુરવઠા વિભાગને ૭ હુકમ ફાળવવામાં આવ્યો છે.
સાથે જ આરોગ્ય વિભાગને ૨, પોલીસ વિભાગને ૧, રમતગમત વિભાગને ૧ તથા વન વિભાગને ૧ એમ જમીન ફાળવણીના હુકમ એનાયત કરાયા છે. આ જમીન ફાળવણીથી મોરબી જિલ્લામાં જાહેર સેવાઓ, વીજ-પાણી વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.







