કચ્છના પ્રવાસન માર્ગો પર અકસ્માતો રોકવા સાંસદ વિનોદ ચાવડા મેદાને! તંત્રને આપી લેખિત રજૂઆત, હવે માર્ગ સુરક્ષાના પગલાં ભરવાની માંગ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

કચ્છના પ્રવાસન માર્ગો પર અકસ્માતો અટકાવવા સાંસદ મેદાને: ભુજ-ખાવડા હાઈવે સહિત ધોરડો અને ‘રોડ ટુ હેવન’ માર્ગે સલામતીનાં પગલાં ભરવા તંત્રને લેખિત રજૂઆત

વેકરીયા રણ સહિતના વિસ્તારોમાં સર્જાતા ગમખ્વાર અકસ્માતો બાદ માર્ગ સુરક્ષાનો મુદ્દો બન્યો ગંભીર; ખાડા સમારકામ, રેડિયમ પટ્ટીઓ, સાઇન બોર્ડ અને ટ્રાફિક નિયંત્રણ માટે માંગણી

ભુજ, તા. ૨૩ નવેમ્બર: કચ્છના પ્રવાસન સ્થળોએ દર વર્ષે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે, પરંતુ પ્રવાસનના આ માર્ગો પર માર્ગ સલામતીની પૂરતી સુવિધાઓનો અભાવ અકસ્માતોને આમંત્રણ આપી રહ્યો હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને વેકરીયા રણ સહિતના વિસ્તારોમાં વારંવાર સર્જાતા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં અનેક લોકોના જીવ ગુમાવવાના બનાવોએ માર્ગ સુરક્ષાના પ્રશ્નને વધુ ગંભીર બનાવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના સાંસદે સંબંધિત સરકારી વિભાગોનું ધ્યાન દોરી ભુજ-ખાવડા હાઈવે સહિત ધોરડો, સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ તરફ જતા માર્ગો પર તાત્કાલિક ધોરણે સલામતીનાં પૂરતાં પગલાં ભરવા લેખિત રજૂઆત કરી છે.

કચ્છની ઓળખ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ અહીંનું સફેદ રણ, ધોરડો, રોડ ટુ હેવન અને વિવિધ ધાર્મિક સ્થળો દેશના પ્રવાસન નકશા પર વિશેષ સ્થાન ધરાવે છે. ખાસ કરીને રણોત્સવ દરમિયાન પ્રવાસીઓની અવરજવર અનેકગણી વધી જાય છે. આવા સંજોગોમાં પ્રવાસીઓ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તે માટે માર્ગોની ગુણવત્તા અને સુરક્ષા વ્યવસ્થાઓ સુદૃઢ બનાવવી અનિવાર્ય બની છે.

સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ભુજ-ખાવડા હાઈવે સહિતના પ્રવાસન માર્ગો પર જ્યાં રસ્તાઓ તૂટેલા હોય અથવા ખાડા પડ્યા હોય ત્યાં તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. માર્ગો પર યોગ્ય અંતરે સ્પષ્ટ દિશાસૂચક અને ચેતવણી સૂચક સાઇન બોર્ડ લગાવવા, નિયમિત સફાઈ અને જાળવણી કરવા તેમજ જોખમી વળાંકો અને અકસ્માતની સંભાવના ધરાવતા બ્લેક સ્પોટની ઓળખ કરીને જરૂરી સુરક્ષાત્મક વ્યવસ્થાઓ ઊભી કરવા ભાર મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચાંદ ફાર્મથી ગોગા મંદિર સુધીના માર્ગ પર આવેલી ઊંચાઈવાળી જગ્યાએ વાહનચાલકોની સુરક્ષા માટે લગાવવામાં આવેલા બેરીકેટ પર રાત્રિના સમયે સ્પષ્ટ દેખાય તે માટે તાત્કાલિક રેડિયમ રિફ્લેક્ટિવ પટ્ટીઓ લગાવવાની ખાસ માંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે અપૂરતા પ્રકાશ અને સુરક્ષા સૂચનોના અભાવે અકસ્માતની શક્યતાઓ વધી શકે છે, ત્યારે આવા જોખમી સ્થળોએ વિશેષ તકેદારી રાખવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન થાય તે માટે પોલીસ વિભાગ અને આરટીઓ દ્વારા નિયમિત વાહન ચેકિંગ, ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી તથા જરૂરી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. પ્રવાસીઓની વધુ અવરજવર ધરાવતા માર્ગો પર રાત્રિ પ્રકાશ વ્યવસ્થા, ચેતવણી સૂચનાઓ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને મુસાફરો માટે બેસવાની બેન્ચ જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવા પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છના પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા જાળવવી એ સંબંધિત તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી છે. માર્ગોની નબળી સ્થિતિ, જોખમી વળાંકો, અપૂરતી ચેતવણી વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે અટકાવવા તમામ સંબંધિત વિભાગોએ સંકલન સાથે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

અકાળે જિંદગીઓ છીનવાતા અકસ્માતો અટકે તે જ સાચી શ્રદ્ધાંજલિ

વેકરીયા રણ સહિત કચ્છના વિવિધ માર્ગો પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને સાંસદે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે માર્ગ સલામતીને માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પરંતુ જમીન પર અમલમાં મુકાતી પ્રાથમિકતા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

હવે જોવાનું એ રહેશે કે સાંસદની આ રજૂઆત બાદ સંબંધિત વિભાગો કેટલા સમયમાં સક્રિય બનીને માર્ગો પર જરૂરી સુવિધાઓ ઊભી કરે છે. કારણ કે પ્રવાસનનો વિકાસ ત્યારે જ સાર્થક ગણાય, જ્યારે પ્રવાસીઓનો પ્રવાસ માત્ર આનંદદાયક જ નહીં, પરંતુ સુરક્ષિત પણ હોય.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW