મોરબી શહેરમાં હરિયાળી વધારવા અને નાગરિકોને આરામદાયક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા માટે ભક્તિનગર સર્કલ નજીક આધુનિક સુવિધાઓ સાથે ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. અંદાજિત રૂ. 62.42 લાખના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રોજેક્ટ હેઠળ ગાર્ડનમાં પ્રવેશ દ્વાર, કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, ગાર્ડન ફર્નિચર, લાઇટિંગ સુવિધાઓ, લેન્ડસ્કેપિંગ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાઇટ ડેવલપમેન્ટ અંતર્ગત જમીન સફાઈ, કચરાનું નિરાકરણ, ખોદકામ, યોગ્ય માટીથી ભરાણ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ગ્રેડિંગ કરવામાં આવશે. ઉપરાંત 95% પ્રોક્ટર ડેન્સિટી સુધી કોમ્પેક્શન કરી મજબૂત પાયા તૈયાર કરવામાં આવશે.
ગાર્ડનની સુરક્ષા માટે આર.સી.સી. ફાઉન્ડેશન સાથે કંપાઉન્ડ વોલ બનાવવામાં આવશે, જેમાં બ્રિક મેસનરી, પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ અને એમ.એસ. રેલિંગનો સમાવેશ થશે. આથી ગાર્ડનને સુરક્ષા મળશે અને અતિક્રમણ અટકશે.
આકર્ષક ડિઝાઇન સાથે પ્રવેશ દ્વાર તૈયાર થશે, જેમાં આર.સી.સી. પિલર્સ, એમ.એસ. ફ્રેમ, CNC કટિંગ ડિઝાઇન અને રિવોલ્વિંગ ગેટ સાથે સાઇનેજની સુવિધા રહેશે.
નાગરિકોની આરોગ્યદાયક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 1.5 થી 2 મીટર પહોળાઈનું સ્લિપ રેઝિસ્ટન્ટ વોકિંગ ટ્રેક બનાવાશે, જે લાંબા ગાળે ટકાઉ રહેશે.
ગાર્ડનમાં વર્તુળાકાર બેઠકો, કોટા સ્ટોન ફિનિશ અને કચરાપેટીઓ જેવી સુવિધાઓ સાથે આરામદાયક વાતાવરણ ઉભું કરવામાં આવશે. ઉપરાંત 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ અને IP65 સ્ટાન્ડર્ડ LED લાઇટ્સ સાથે આધુનિક લાઇટિંગ સિસ્ટમ સ્થાપિત થશે.
લેન્ડસ્કેપિંગ હેઠળ લોન ડેવલપમેન્ટ સાથે ટેબેબુિયા, જેકારાન્ડા, બોરસલી, રેન ટ્રી, કેસુડો અને ગુલમોહર જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જે ગાર્ડનને આકર્ષક બનાવશે.
આ ગાર્ડન તૈયાર થયા બાદ મોરબીના નાગરિકોને સ્વચ્છ, હરિયાળું અને આરામદાયક પર્યાવરણ મળશે અને શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થશે.




