મોરબીમાં મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત ૭૭મા વન મહોત્સવની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબીને હરિયાળું બનાવવા ભડિયાદ ખાતે ૨.૫ લાખ રોપાના વાવેતરનું આયોજન

મોરબીમાં ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત ૭૭મા વન મહોત્સવની ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા મોરબી મહાનગરપાલિકના સહયોગથી શકત શનાળા ખાતે આવેલી પાટીદાર સમાજ વાડી ખાતે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મોરબી મહાનગરપાલિકના મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતાબેન રૈયાણી, ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તથા શાસકપક્ષના નેતા અર્પિતાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે વૃક્ષો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષણને શોષી લઈને સમગ્ર સજીવ સૃષ્ટિને પ્રાણવાયુરૂપે અમૂલ્ય ભેટ આપે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ‘એક પેડ માં કે નામ’ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ પોતાની માતાની યાદગીરી અને સન્માનમાં વૃક્ષ વાવી તેનું જતન કરે તથા આ અભિયાન થકી પૃથ્વી માતાનું ઋણ અદા કરે તેવો સંદેશ તેમણે આપ્યો હતો. મોરબી શહેરમાં ગ્રીન કવર વધારવા માટે આ અભિયાનને જનભાગીદારી સાથે આગળ વધારવા તેમણે આહ્વાન કર્યું હતું.
ધારાસભ્ય.

દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વન મહોત્સવ રાજ્યકક્ષાએ યોજાતા હતા, જ્યારે હવે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષોના સંવર્ધન માટે ‘એક પેડ માં કે નામ’નો અભિગમ આપ્યો છે ત્યારે મોરબીના તમામ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેર માટે તેમણે અનુરોધ કર્યો હતો.

મહાનગરપાલિકા કમિશનર સંગીતાબેન રૈયાણીએ જણાવ્યું હતું કે મોરબી શહેરને વધુ હરિયાળું બનાવવા ભડિયાદ ખાતે આગામી સમયમાં અંદાજે ૨.૫ લાખ રોપાનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક બી.એમ. પટેલે પર્યાવરણ જાગૃતિ અંગે પ્રેરણાદાયી વાત કરતાં આસામ રાજ્યના એક ગામના યુવાનનું ઉદાહરણ આપ્યું હતું, જેણે એક વૃક્ષ વાવવાથી શરૂઆત કરી ધીમે ધીમે આશરે ૧,૩૦૦ એકર વિસ્તારમાં જંગલ ઊભું કર્યું હતું. તેમણે આ દૃષ્ટાંત આપી મોરબીને પણ વધુ ને વધુ હરિયાળું બનાવવા સૌને વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટે પ્રેરિત કર્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતિભાઈ પડસુંબીયાએ જણાવ્યું હતું કે સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવજીએ વિષનું પાન કર્યું હતું, તેવી જ રીતે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી આપણને જીવનદાયી પ્રાણવાયુ પૂરો પાડે છે. તેથી વૃક્ષોનું જતન અને સંવર્ધન આપણી સામૂહિક જવાબદારી છે.

મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયાએ જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત વિકેન્દ્રિત પ્રજા નર્સરી તથા ખાસ અગ્રતા જૂથ યોજના હેઠળ મોરબી જિલ્લામાં ૩ લાખ ૧૫ હજાર રોપા તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબી શહેર ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણના ક્ષેત્રે પણ આગળ વધે, શહેર હરિયાળું બને અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સુંદર પર્યાવરણ મળે એ જ આજના વન મહોત્સવનો સાચો સંદેશ હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શ્રીમતી જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબીની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ‘સેવ ટ્રી’ થીમ આધારિત મ્યુઝિકલ ઇવેન્ટ રજૂ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. હિરવાબેન ભુપતભાઈ છૈયાએ પર્યાવરણ જાગૃતિ અંગે પ્રવચન આપતાં વૃક્ષોના મહત્વને ઉજાગર કર્યું હતું અને “વૃક્ષોની આપણને જરૂર છે, નહીં કે વૃક્ષોને આપણી જરૂરિયાત” જેવા પ્રેરણાદાયી વિચારોથી ઉપસ્થિત સૌને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં મોરબીના શહેરીજનો, કોર્પોરેટરશ્રીઓ, શકત શનાળાના ગ્રામજનો, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પરીક્ષેત્ર વન અધિકારી, મોરબી એસ.એફ. દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષશ્રી, મહાનુભાવો તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા સાંકેતિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી રોપ વિતરણ માટેના વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW