તેજસ્વી વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરતી ‘છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ’ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને રૂા. ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની છેવાડાના વંચિત બાળકોના ભવિષ્ય નિર્માણ માટે સહકારી યોજનાઓ પૈકીની કલ્યાણકારી યોજના
માર્ચ-૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ-૧૦ અને ૧૨ના વિજેતા વિદ્યાર્થીઓને DBT પદ્ધતિથી સીધી બેંક ખાતામાં પુરસ્કારની રકમ અપાઈ
સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને પ્રગતિના શિખરો સર કરે તથા તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે તે માટે સરકાર હરહંમેશ કટિબદ્ધ રહી છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ રુચિ કેળવીને બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરે તે હેતુસર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા ‘છત્રપતિ શાહુજી મહારાજ ખાસ પ્રોત્સાહક ઇનામ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે
વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મકતા વધે તે માટે એસ.એસ.સી. (ધોરણ-૧૦) તથા એચ.એસ.સી. (ધોરણ-૧૨ – સામાન્ય, વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાઓમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પુરસ્કારની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રથમ ક્રમાંક માટે રૂા. ૧૫,૦૦૦/-, દ્વિતીય ક્રમાંક માટે રૂા. ૧૧,૦૦૦/- અને તૃતીય ક્રમાંક માટે રૂા. ૯,૦૦૦/- ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં આ યોજના હેઠળ ૯ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પેટે કુલ રૂા. ૧,૦૫,૦૦૦/- ની સહાય નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર – DBT પદ્ધતિથી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
માર્ચ-૨૦૨૬માં યોજાયેલી બોર્ડની પરીક્ષાઓમાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ મેરિટ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. જિલ્લા કક્ષાની મેરિટ યાદી અનુસાર મોરબી જિલ્લાના કુલ ૯ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે
ધોરણ-૧૦ માં પ્રાચી પ્રદીપભાઈ પરમારે ૯૭.૫૦% ગુણ સાથે પ્રથમ ક્રમ મેળવી રૂા. ૧૫,૦૦૦/- નું ઇનામ પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત કંજવી નિકુંજભાઈ ચાવડાએ ૯૭.૩૩% સાથે દ્વિતીય અને તૃષાંગી સંજયભાઈ બંસલે ૯૬.૮૩% સાથે તૃતીય ક્રમ મેળવ્યો છે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉદયકુમાર દલસુખભાઈ જાદવે ૯૦.૬૨% સાથે પ્રથમ, રાધિકા કમલેશભાઈ મુછડીયાએ ૮૮.૬૨% સાથે દ્વિતીય અને ભવિષ્ય ઉદયભાઈ મહાલિયાએ ૮૮.૦૦% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રિયા ડુંગરભાઈ પરમારે ૯૪.૪૩% સાથે પ્રથમ, પરમાર ધ્રુવી વસંતભાઈએ ૯૨.૦૦% સાથે દ્વિતીય અને સિદ્ધિબેન મગનભાઈ પારધીએ ૯૧.૭૧% સાથે તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયા છે.
માર્ચ-એપ્રિલ માસની વાર્ષિક બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળે છે. ઓનલાઈન અરજી અને પારદર્શક પદ્ધતિ દ્વારા આ સહાય આપવામાં આવે છે. આ આર્થિક પ્રોત્સાહન મળવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનું સંચાર થાય છે.







