યુનેસ્કો દ્વારા ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ એનાયત થતાં ગોરિયા પરિવાર સહિત મોરબીનું નામ રોશન કર્યું
અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કોના સંયુક્ત ઉપક્રમે તા. 12થી 16 દરમિયાન અંદમાનના શ્રીવિજયપુરમ (પોર્ટબ્લેર) ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો કલ્ચરલ ઓલિમ્પિયાર્ડ યોજાયો હતો. આ સ્પર્ધામાં દેશ-વિદેશના કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના સંચાલક ગોરધનભાઈ ગોરિયાની પૌત્રી તેમજ જાનકીબેન અને પ્રસાદભાઈ ગોરિયાની પુત્રી શ્રી ગોરિયાએ ભરતનાટ્યમ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત યુનેસ્કો દ્વારા તેમને પ્રતિષ્ઠિત ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
શ્રીની આ ભવ્ય સફળતા પાછળ તેમનાં કલાગુરુ શ્રીમતી સુમનબેન શેઠની સતત મહેનત, માર્ગદર્શન અને તાલીમનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. ગુરુના માર્ગદર્શન હેઠળ શ્રીની કલાસાધના રંગ લાવી છે અને તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
શ્રીની આ સિદ્ધિથી ગોરિયા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે. મોરબીનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવા બદલ સગાં-સંબંધીઓ, આર્યતેજ પરિવાર તથા શુભેચ્છકો દ્વારા શ્રીને અભિનંદન, આશીર્વાદ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
શ્રી ગોરિયાની આ સિદ્ધિ મોરબી માટે ગૌરવ અને યુવા કલાકારો માટે પ્રેરણારૂપ બની છે.







