રાજવી પરિવારના સભ્યો સાથે સાંત્વના મુલાકાત કરી શોક સંવેદના વ્યક્ત કરી; સ્વ. રાજમાતાના સેવાકીય અને સામાજિક યોગદાનને બિરદાવાયા
મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારી દ્રોપદીદેવી, મહારાજકુમારી ઉમાદેવી, વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.



