મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર રેસી સિરામિક પાસે મળેલી અજાણ્યા પુરૂષની અર્ધ સળગેલી લાશનો ગુનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી લીધો છે. તા. 27/04/2026ના રોજ મળેલી લાશ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો દાખલો નોંધાયો હતો, પરંતુ તપાસ દરમિયાન મામલો શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માનવીય સૂત્રોના આધારે ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમિયાન મૃતકની ઓળખ મધ્યપ્રદેશના છગનભાઇ નિનામા તરીકે થઈ હતી અને તેની હત્યા કરાયાની કબૂલાત આરોપીઓએ આપી હતી.
પ્રાથમિક તપાસ મુજબ પત્ની સાથેના પરિવારિક વિવાદ અને માનસિક ત્રાસના કારણે આરોપીઓએ મળીને છગનભાઇને દોરીથી ગળું ઘોટી હત્યા કરી, બાદમાં ઓળખ છુપાવવા લાશ સળગાવી દીધી હતી.
પોલીસે પવન નિનામા, સુમન નિનામા અને દેવલીબાઇ ગીરેવાલ સામે હત્યાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




