ભીમસર ચોકડીના પુલ નીચેથી તાલપત્રીની આડમાં સંતાડેલો દારૂ-બીયરનો જથ્થો ઝડપી પાડતી સરહદી રેન્જ ભુજની ટીમ
મોરબી જિલ્લાના માળીયા-મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ટાટા કંપનીના ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચીરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ દ્વારા સરહદી બોર્ડર રેન્જના જિલ્લાઓમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને PSI એમ.એચ. જાડેજા તથા PSI ડી.સી. ઠાકોરના માર્ગદર્શન હેઠળ સરહદી રેન્જ ભુજની ટીમ માળીયા-મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે બનાસકાંઠાના ધાનેરા ચેકપોસ્ટથી ડીસા, રાધનપુર, હારીજ, બેચરાજી, માલવણ, ધાંગધ્રા અને હળવદ તરફથી એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કચ્છ તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે ટીમે સ્થાનિક પોલીસના માણસો સાથે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું GJ-18-BT-3262 નંબરનું ટાટા કંપનીનું ટ્રક આવતા તેને રસ્તો બ્લોક કરી રોકવામાં આવ્યું હતું. ટ્રકની તપાસ કરતાં તાલપત્રીની આડમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન કુલ 16,920 નંગ દારૂ/બીયરનો જથ્થો, કિંમત રૂ.24,03,000, ટ્રક કિંમત રૂ.10,00,000 તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.34,08,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ મામલે ટ્રક ચાલક ખેતારામ ઠાકુરામ માજીરાણા જાતે ભીલ, ઉંમર 40 વર્ષ, રહે. લાલજી કી ડુંગરી ગામ, તા. સીતલવાણા, જી. જાલોર, રાજસ્થાનને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ કામગીરીમાં PSI એમ.એચ. જાડેજા, PSI ડી.સી. ઠાકોર, ASI રસિકભાઈ પટેલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, HC દિગ્વિજયસિંહ જાડેજા, PC જયપાલસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.


