કૌશલ્ય આધારિત શિક્ષણ થકી યુવાનોને આત્મનિર્ભર બનાવવા તેમજ રોજગાર અને સ્વરોજગારની તકો તરફ અગ્રેસર કરવા પર ભાર
મોરબીમાં આઈટીઆઈ ખાતે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE) તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની નિયામકશ્રી, તાલીમ અને રોજગારની કચેરીના માર્ગદર્શન હેઠળ મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI ખાતે વર્ષ-૨૦૨૬ નો ૫ મો કૌશલ દીક્ષાંત સમારોહ (Convocation Ceremony) યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ ટ્રેડમાં તાલીમ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઓરિજિનલ માર્કશીટ, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોએ તાલીમાર્થીઓને સખત પરિશ્રમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત કૌશલ્યવર્ધન સાથે આગળ વધવા તેમજ મેળવેલા ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી રોજગાર કે સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી.
તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ સમારોહના સફળ આયોજન માટે આચાર્યશ્રી એન. વી. ચનિયારાના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે આઈ.એમ.સી. ઓફ આઈ.ટી.આઈ., મોરબીના ચેરમેનશ્રી રાજુભાઈ ધમાસણા, સિરામિક એસોસિએશન (સેનેટરી વિભાગ) ના પ્રમુખ અજયભાઈ મારવાણીયા, આઈ.એમ.સી.ના વાઈસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા તેમજ ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વિડજા અને સુધીરભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.







