મોરબી તાલુકા પોલીસે અપહૃત બાળકને 24 કલાકમાં શોધી કાઢ્યું

Advertisement
Advertisement
Advertisement

સ્પેનસેરા સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી 3 વર્ષીય બાળકના અપહરણનો મામલો: મોરબી તાલુકા પોલીસે 24 કલાકમાં બાળકને શોધી કાઢ્યું

મોરબી તાલુકા પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મધ્યપ્રદેશથી બાળકને સુરક્ષિત હસ્તગત કરી વાલીવારસને સોંપ્યું

મોરબી તાલુકાના સ્પેનસેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 3 વર્ષીય બાળકને સાથે લઈ જવાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બાળકને આશરે 24 કલાકના ટૂંકા સમયગાળામાં સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવારને સોંપવામાં સફળતા મેળવી છે.

મળતી માહિતી મુજબ, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સ્પેનસેરા સીરામીકની ઓરડીમાં રહેતા અર્ચનાબેન રાજુભાઈ રામજીયાવનના 3 વર્ષીય પુત્ર અંતાક્ષને તેમના ઓળખીતા સંતોષભાઈ નવલાભાઈ સાથે રમકડાં લેવા માટે લઈ ગયા હતા. સંતોષભાઈએ બાળકને લઈ જવા અંગે બાળકના પિતા સાથે વાતચીત કરી હતી અને તેમનો મોબાઇલ નંબર પણ પરિવાર પાસે હતો.

જોકે, સમય વિતવા છતાં બાળક પરત ઘરે ન આવતા પરિવારજનોએ સંતોષભાઈના મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકે પહોંચી બાળકના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયા બાદ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા બનાવ સ્થળ તથા આસપાસના વિસ્તારોમાં તપાસ સાથે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માધ્યમથી સંતોષભાઈ તથા બાળકની હિલચાલ અંગે માહિતી મેળવવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી હતી કે સંતોષભાઈ અને બાળક છેલ્લે ચરાડવા ગામથી મધ્યપ્રદેશ તરફ જતી બસમાં ગયા હતા. આ માહિતીના આધારે પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો હતો અને એક પોલીસ ટીમને પણ મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી.

દરમિયાન પોલીસ દ્વારા મોબાઇલ લોકેશનનું સતત ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું હતું. સંતોષભાઈ મધ્યપ્રદેશ ખાતે પોતાના ઘરે પહોંચ્યા બાદ તેમનો મોબાઇલ ફોન ચાલુ થતા પોલીસે તેમની સાથે સંપર્ક કર્યો હતો. સંતોષભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ અને બાળક અંતાક્ષ તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચી ગયા છે.

પોલીસે બાળકને તાત્કાલિક હસ્તગત કરી સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સંતોષભાઈએ જણાવ્યું હતું કે તેમની માતાની તબિયત સારી ન હોવાથી તેઓ મધ્યપ્રદેશ ખાતે પોતાના ઘરે ગયા હતા અને આ દરમિયાન અંતાક્ષને પણ પોતાની સાથે લઈ ગયા હતા. બાળક પાસે રહેલો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હોવાથી રાજુભાઈ સાથે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે સંતોષભાઈએ બાળકના પિતા રાજુભાઈને બાળકને પોતાની સાથે મધ્યપ્રદેશ લઈ જવાની વાત કરી હતી, પરંતુ આ બાબતની જાણ પરિવારના અન્ય સભ્યોને થઈ નહોતી. પરિવાર અને સંતોષભાઈ એકબીજાના પરિચિત તેમજ સંબંધિત હોવાથી અને અગાઉથી એકબીજાને કામકાજમાં મદદ કરતા હોવાથી બાળકને તેમની સાથે રમકડાં લેવા મોકલવામાં આવ્યો હતો.

બાળક લાંબા સમય સુધી પરત ન આવતા અને મોબાઇલ ફોન પર સંપર્ક ન થતાં પરિવારજનોમાં ગેરસમજ ઊભી થઈ હતી અને ઉતાવળમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ તથા ટીમોની ઝડપી કામગીરીના આધારે આ સમગ્ર બનાવમાં મહત્વની કડીઓ મેળવી અને આશરે 24 કલાકના ટૂંકા સમયગાળામાં 3 વર્ષીય અંતાક્ષને સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. ત્યારબાદ બાળકને તેના વાલીવારસને સોંપવામાં આવ્યો હતો.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રીની સૂચના તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસે આ કામગીરી હાથ ધરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW