માળિયા અને મોરબી તાલુકાના ૪ ગામો માટે રૂ. ૬૨.૬૧ લાખના કામો હાથ ધરાશે
કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠક અંતર્ગત સંપ, પમ્પરૂમ, પમ્પિંગ મશીનરી અને પાઈપલાઈનના કામોને મળી મંજૂરી
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તેમજ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડની સમીક્ષા બેઠક અંતર્ગત પાણી પુરવઠા બોર્ડ હેઠળ રિજુવીનેશન કાર્યક્રમના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત માળિયા અને મોરબી તાલુકાના કુલ ૪ ગામોમાં સંપ, પમ્પરૂમ, પમ્પિંગ મશીનરી અને સંલગ્ન જોડાણની પાઈપલાઈન માટે કુલ રૂ. ૬૨,૬૧,૮૭૭ ના અંદાજિત કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
મંજૂર કરાયેલા કામોમાં માળિયા તાલુકાના મેઘપર ગામે રૂ. ૭.૬૦ લાખથી વધુ તથા નાની બરાર ગામે રૂ. ૧૨.૭૮ થી વધુના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોરબી તાલુકાના ઝીંકીયાળી ગામે રૂ. ૧૨.૭૮ લાખ તેમજ જેતપર ગામે ૨ સંપ સહિતની કામગીરી માટે રૂ. ૨૯.૪૩ થી વધુના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
ઉપરાંત આ બેઠકમાં જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, જળાશયોના જથ્થા અને નિયમિત ક્લોરિનેશન અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરીને સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી એમ.એસ. દામા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.







